0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE


“જો બેટા આ નખી તળાવ” આકાશે પોતાના દીકરા આયુષને કહ્યું. આયુષ પોતાની મમ્મી અવની નો હાથ પકડીને ચાલતો હતો. ચારે બાજુ જોઈ રહ્યો હતો. ઊંચા ઊંચા પહાડ, હરિયાળી, વાતાવરણમાં એકદમ ઠંડક એને નવાઈ લાગતી હતી. એકદમ એસી જેવું વાતાવરણ હતું.

“મોમ અહિયાં કેવી ઠંડી છે,અને આપણે ત્યાં તો કેટલી ગરમી પડે નહિ પપ્પા” આયુષ અચરજ પૂર્વક બોલ્યો.

“હા બેટા એટલે જ તો તને અહી ભણવા મુકવાનો છે,તને અહી ખુબ મજા પડશે, એયને કેવું મસ્ત વાતાવરણ છે અહિયાં બેટા” આકાશે પોતાના દીકરાની આંગળી પકડીને કહ્યું. નાનો આયુષ મમ્મી અને પાપાની આંગળી પકડીને બેયની વચ્ચે હરખભેર ચાલતો હતો.

“બેટા ચાલ આપણે બોટમાં બેસીએ , તને મજા પડશે ને પછી તો તને અહી રોજ બોટિંગ કરવા મળશે... મારો ડાયો દીકો કેટલો ભાગ્યશાળી છે” આકાશે આટલું બોલીને આયુષને ઊંચકી લીધો. નખી લેક પર તેઓ બોટમાં ગોઠવાયા. ધીમે ધીમે બોટ ચાલવા લાગી. આયુષને આકાશ બધું બતાવતો હતો.

“જો બેટા આ બાજુ ભારતમાતાનું મંદિર છે, ત્યાં ઉંચે જે દેખાયને ત્યાં ગુરુશિખર છે.ત્યાં સૈનિકો રહે છે. આ બાજુ જો પેલો રોક છેને ઉંચો ઉંચો એનું નામ છે ટેડ રોક.આપણે ત્યાં જઈશું અને પેલી સામેની ટેકરી દેખાય છેને ત્યાં છે સનસેટ પોઈન્ટ અને તેની નીચે બરાબર આવે હનીમુન પોઈન્ટ હું અને તારી મમ્મા લગ્ન કરીને અહી આવેલા અને હનીમુન પોઈન્ટ પર ફોટા પાડેલા, પૂછ તારી મમ્માને” અવનીનું મોઢું શરમથી લાલછોળ થઇ ગયું. એની આંખો જાણે કે આકાશને કહેતી હોય કે શુંય તમે બાળક આગળ આવી વાત કરવાની. અવનીની આંખોમાં એક મીઠો ઠપકો હતો.

“મમ્મા પપ્પા સાચું કહે છે” આયુષે અવનીની આંખોમાં જોઇને કહ્યું. જવાબમાં અવની હસી. એને એ સમય યાદ આવી ગયો જયારે આજથી દસ વરસ પહેલા માઉન્ટ આબુ આવી હતી આકાશ સાથે!!! ઉનાળામાં એમનાં બેયના લગ્ન થયાં હતાં. અને લગ્ન પછી બને આવ્યા હતાં અહી અને એ પણ પુરા સાત દિવસ!!!! એ અચલ ગઢ , એ સનસેટ પોઈન્ટ , એ દેલવાડાનું કોતરકામ ઘણું બધું જોયું હતું આકાશના સથવારે !!!!!

આકાશ અને અવની બને અમદાવાદની કોર્પોરેશનની શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતાં . શરૂઆતમાં બને વિદ્યાસહાયક તરીકે લાગ્યા હતાં, પણ ફૂલ પગારમાં આવ્યા પછી એમની જિંદગી ફૂલ સ્પીડમાં ચાલવા લાગી!!! આમતો તેઓ જ્યારથી પીટીસી કરતાં હતાં ત્યારથીજ સંબંધ નક્કી થઇ ગયો હતો .પણ જેવી નોકરી મળીકે તરતજ એમનાં લગ્ન કરી નાંખવામાં આવ્યાં.બનેનું મેરીટ ખુબ જ સારું એટલે કોર્પોરેશનમાં નોકરી મળી ગઈ અને એ પણ એક જ શાળામાં અને વર્ગખંડ પણ બાજુ બાજુમાં.. ખરેખર તેઓ ભાગ્યશાળી હતાં!! લગ્નના પાંચ વરસ બાદ આ એક માત્ર સંતાન આયુષ નો જન્મ થયો. બંને ખુશ!!! ખુબ જ ખુશ !!! એવું કહેવાય છે કે જયારે તમારે ત્યાં પ્રથમ સંતાન જન્મે ને પછી પતિ અને પત્ની વચ્ચે એક પ્લેટોનિક લવ નો જન્મ થાય છે, એક દિવ્ય પ્રેમની અનુભૂતિ!!! અને આ બાબત આકાશ અને અવનીના કિસ્સામાં એકદમ સાચી પડી હતી. બનેનું એકમાત્ર લક્ષ્ય હવે પોતાના બાળકનો કેમ શ્રેષ્ઠ ઉછેર થાય એ બાબત તરફ જ હતું . અને આમેય શિક્ષકો પોતાના સંતાનોના ઉછેર અને શિક્ષણ માટે બીજા કર્મચારીઓ કરતાં વધારે ચિંતાતુર હોય છે. જ્યારે તેઓ હનીમુન માટે માઉન્ટ આબુ આવ્યા ત્યારે નખી લેક પાછે કતારબંધ બાળકો નીકળ્યા આકાશે જોયું અને અવનીને કહ્યું કે આ બાળકો અહીની કોઈ ઇન્ટરનેશનલ શાળાનાં જ હશે. અહીં ઘણી બધી શાળાઓ આવેલી છે. અને પછી તપાસ કરી ને તેઓ એ શાળા પણ જોઈ આવ્યા અને આકાશ અને અવનીએ નક્કી પણ કરી નાંખ્યું હતું કે બસ જે બાળક આવશે એ આ શાળામાં જ ભણશે!! શાળા વિશેની તમામ માહિતી તેઓ હનીમુનના સમયગાળા દરમ્યાન જ લઇ લીધી. જે બાળક પાંચ વરસ પછી પૃથ્વી પર અવતરવાનું હતું તેની માટે અત્યારથી જ શાળા નક્કી થઇ ચુકી હતી!!! આવું ખરેખર ભારતમાં જ શક્ય બને !!!
અને આજે તેઓ આયુષને લઈને ફાઈનલ કરવા આવ્યા હતાં. હજુ તેઓએ આયુષને શાળા બતાવી નહોતી કે તારે અહીં ભણવાનું છે ... હજુ તો એ આબુના વાતાવરણ થી એને પ્રભાવિત કરી રહ્યા હતાં.. પછી એને શાળા બતાવવાની હતી.. એનાં ફાયદા અને... આમેય તેઓ અત્યારે પોતાના બાળક પાસે એકમ કઢાવી રહ્યા હતાં, વિષયનિરૂપણ હવે પછી કરવાનું હતું. આયુષને લઈને તેઓ હવે શાળામાં જઈ રહ્યા હતાં. શાળામાં આયુષનો ઈન્ટરવ્યું લેવાનો હતો. એ માટે છેલ્લાં બે માસથી પુર ઝડપે તૈયારીઓ ચાલતી હતી. નાના આયુષને રોજ પ્રશ્નો પૂછીને એનાં જવાબો ચેક કરવામાં આવતા હતાં. એની કચાશ તરફ ધ્યાન દોરીને સતત સુધારો થાય એવા પ્રયત્નો થઇ રહ્યા હતાં.આમ તો આયુષને તેઓએ અમદાવાદની સારામાં સારી નર્સરીમાં પણ મૂકી જોયેલો. પણ મન ના માન્યું. ઘરે પણ તેઓ સતત આયુષને ભણાવ્યા જ કરતા. કોર્પોરેશનની શાળામાં તો આયુષને મુકવાનો ખ્યાલ તો એણે કદી સપનામાં પણ નહોતો કર્યો. જોકે ક્યારેક અવની જોડે આયુષ આવતો શાળામાં તો પણ સતત એનું ધ્યાન રાખવામાં આવતું. આકાશ અને અવની સારી પેઠે સમજતા કે કોર્પોરેશનની શાળાઓ નોકરી કરવા માટે અને પગાર માટે શ્રેષ્ઠ બાકી પોતાના સંતાનો ભણાવવા માટે તો કોઈ હિલ સ્ટેશન પર આવેલી ભપકાદાર શાળા જ સારી. આવી કોર્પોરેશન ની શાળામાં તો બધીજ જ્ઞાતિના બાળકો સાથે આપણુ બાળક ના શોભે એવી એક પ્રકારની ગ્રંથી પણ મનમાં ખરી. અને સહુથી મોટી પેલી ખતરનાક ગ્રંથી કે આપણા છોકરા આપણી પાસે થોડા શીખે...

એક ભવ્ય કેમ્પસમાં તેઓ દાખલ થયાં. આયુષ તો માનવા તૈયાર જ નહોતો કે આવડી મોટી શાળા હોય!!! એને તો મજા પડી ગઈ. શાળામાં બીજી બધી વસ્તુ ઓ જોઈ , સહ અભ્યાસિક પ્રવૃતિઓ, રમતનું મેદાન , હોસ્ટેલ વિવિધ પ્રકારના બગીચા.. ટૂંક માં શાળા એક મહેલ સમાન હતી. પણ આચાર્યશ્રી આજે બહાર ગયાં હોવાથી કાલે એડમીશનનું ફાઈનલ થશે એમ જાણવા મળ્યું. કાઈ વાંધો નહિ કાલે તો કાલે એડમીશન તો મળશે જ ને !!! પોતાનું એક સપનું સાકાર થશે એ જાણીને આકાશ અને અવની ખુશ હતાં!!!

શાળાની બહાર એક મોટું ચર્ચ હતું અને બાજુમાંજ કબરો આવેલી હતી ત્યાં ઘણાં વ્રુક્ષો હતાં. ત્યાં એક બાંકડા પર તેઓ બેઠા સામે એક કબર આવેલી હતી તેના પર લખેલું હતું. “ મીસીસ મેરી ડી કોસ્ટા ૧૯૪૦ -૨૦૦૦” અચાનક ત્યાં એક ૩૦ વરસનો યુવાન આવ્યો હાથમાં થોડા ફૂલો હતાં કબરની સામે ફૂલ મુક્યા આંખો મીંચીને પ્રાર્થના કરી. યુવાનનો ચહેરા પર થોડી ગમગીની હતી. આંખો ભીની થઇ રહી હતી. દસેક મિનીટ બાદ તે યુવાન આવીને સામેના બાંકડા પર બેઠો. આકાશ અને અવની આ યુવાનને જોઈ રહ્યા. આયુષ સામે જોઇને પેલો યુવાન બોલ્યો.
“શું નામ છે તારું બેટા”
“ આયુષ આકાશકુમાર પટેલ” આયુષે જવાબ આપ્યો. આમેય ઘણાં દિવસથી ઈન્ટરવ્યુંની પ્રેકટીશ તો ચાલતી હતીને એટલે ફટાફટ જવાબ આપ્યો.
“શું આ કબર તમારી માતાની છે” આકાશે કહ્યું.
“ના હું જયારે આ શાળામાં ભણવા બેઠોને ત્યારથી મને સાચવતા એ બેન નો છે, હું આ બાજુની શાળામાં જ ભણેલો છું. બાય ધ વે મારું નામ વિકાસ પટેલ. વિકાસ બોલ્યો.
“ સરસ કેવી છે આ શાળા હું મારાં બાળકનું એડમીશન લેવા આવ્યો છું, પણ કાલે એડમીશન મળશે, આમ તો અગાઉ મારે ફોન પર વાત થઇ જ ગઈ છે ફક્ત ફોર્માલીટીઝ બાકી છે. “ આકાશે પૂછ્યું
“ખુબ જ સરસ છે હું ધોરણ ૧ થી ૧૨ સુધી અહીંજ ભણ્યો અને હાલ અમદાવાદમાં એક કંપનીનો મેનેજર છું. તમે બને શું કરો છો.?
“અમે બંને શિક્ષકો છીએ” અવનીએ જવાબ આપ્યો આયુષ તો ભોળપણથી આ વાતો સાંભળી રહ્યો હતો.
“શું” ? તમે બને સાથે રહો છો ? કે પછી અલગ અલગ” વિકાસના આ પ્રશ્ન આકાશ ચોંકી ઉઠ્યો.
“મિસ્ટર તમે કેવી વાત કરો છો, અમે એક બીજાને પુરતો પ્રેમ કરીએ છીએ , અને અમે સપનામાં પણ જુદા પડવાનું વિચાર્યું નથી અને તમે અમારા વિષે આમ ધરી જ કેમ શકો? આકાશનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠયો...
“સોરી મિસ્ટર આકાશ પટેલ મારો એવો કોઈ જ ઈરાદો નહોતો તમારી લાગણી દુભવવાનો પણ મને નવાઈ લાગી કે તમે બંને ગુરુજનો પોતાના પાંચ વરસના એક કુમળા ફૂલને અહી હોસ્ટેલમાં ભણવા મુકો છો.. તમે કહો છો તેમ તમે એક બીજાને ખુબ જ પ્રેમ કરો છો તો એ પ્રેમની વચ્ચે આ બાળકનો સમાવેશ થઇ શકે એટલી જગ્યા છે કે નહિ” વિકાસે પોતાની વાત અટકાવી. ગળું સાફ કર્યું અને પછી ફરીથી બોલ્યો.
“ માફ કરજો ગુરુજનો , મને શિક્ષણમાં બહુ લાંબી ખબર ના પડે, મારો એ વિષય નહિ પણ મને એટલી ખબર તો પડે કે શિક્ષકોને સમજાવવા એ દુનિયાની સૌથી અઘરી બાબત છે.. શિક્ષકો અમારા જેવા લાખો વિદ્યાર્થીને સમજાવી શકે, આગળ વધારી શકે, જીવન સુધારી શકે. પણ એજ શિક્ષક્ને અમુક બાબતમાં આપણે સમજાવીએ તો એ લગભગ સમજતા નથી. બાય ધ વે હું મૂળ મુદ્દા પર આવું છું. હું એક ટોચની કંપનીમાં મેનેજર છું. મારો વાર્ષિક પગાર ૨૪ લાખ છે. ધારું તો હું અમદાવાદ માં રહી શકું પરંતુ ના હું અમદાવાદની બાજુના ગામડામાં રહું છું. મારાં બે સંતાનો એની મમ્મી સાથે જ ભણે છે અને સરકારી શાળામાં જ ભણે છે અને મારી પત્ની અનુરાધા શિક્ષિકા છે. તમને કદાચ નવાઈ લાગશે ને અને લાગવી જ જોઈએને એક ઇન્ટરનેશનલ સ્કુલમાં પહેલેથી ભણેલાં અને એક કંપનીના મેનેજરે એનાં બાળકોને સરકારી શાળામાં શા માટે મુક્યા. એ વાત જાણવા માટે તમારે મારી વાત સાંભળવી પડે મિસ્ટર આકાશ પટેલ, સાંભળવી છે વાત તમારે મીસીસ પટેલ” બોલતા બોલતા વિકાસ પટેલનો અવાજ ગળગળો બની ગયો. વાતાવરણમાં એક જાતની ગમગીની પ્રસરી ગઈ. અવની અને આકાશ ફાટી આંખે આ બધું સાંભળતાં રહ્યા. આયુષ પણ ગંભીર થઇ ગયો. ઘણીવાર મે અનુભવ્યું છે નાનું બાળક પરિસ્થિતિનો ક્યાસ બહુ જલ્દી કાઢી લેતું હોય છે. એક આંધી પહેલાની શાંતિ હોય તેવું લાગ્યું.
“ સાંભળવી છે અમારે વાત” અવનીએ કહ્યું, એણે આયુષને પોતાના ખોળામાં લીધો. વિકાસ ઉભો થયો, આજુબાજુ બે ડગલા ચાલ્યો. ખીસ્સામાંથી સિગારેટ કાઢીને જલ્દી જલ્દી ત્રણ ચાર કશ મારી ને આયુષના માથે હાથ ફેરવીને કહ્યું..
“બસ હું પણ આવડો જ હતોને મારાં મમ્મી પાપા મને અહી લઇ આવ્યા..................

લેખક :- મુકેશ સોજીત્રા, ઢસા ગામ

નવલિકા :- “લાગણીઓનું વાવેતર” ભાગ 2 Click Here <==

क्या आपको यह पोस्ट पसंद आई ? तो Youtube पर Click करके Subscribe करें और Share- Comment जरूर करें

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top