0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE


રવિવાર હતો. શહેરનાં પોશ એરિયામાં આવેલ એક વિસ્તારમાં આવેલ એક ભવ્ય બંગલામાંની લોનમાં સુકેતુ સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ અને છાપાંઓના પાનાં ઉથલાવતાં ઉથલાવતાં કોફી પી રહ્યો હતો.થોડીવાર પછી તે ઉભો થયો.હજુ તેને નહાવાનું બાકી હતું. દિવાનખાનાની બરાબર જમણી સાઈડ આવેલ પૂજાના રૂમમાં પોતાની પત્ની નિતા પ્રાર્થના કરી રહી હતી. આ રોજનો ક્રમ હતો. પોતે આઠેક વાગ્યે ઉઠતો પણ નીતા સવારમાં પાંચેક ઉઠી જતી,ઘરમાં નોકરો હોવા છતાં નીતા એ અમુક કામ પોતાની માથે રાખ્યા હતાં જેવાકે સાસુ સસરાને સવારમાં પોતે હાથે બનાવીને ચા આપવી.બાળકોને જે વસ્તુ ગમતી હોય તે જાતે બનાવવી,અને પોતાનાં પતિ સુકેતુ માટે કોફી બનાવવી. અને આમેય સુકેતુ સવારમાં ઘરની કોફી જ પીતો,પછી તો એ એનાં કાર્યમાં વ્યસ્ત થઇ જતો તે રાતે મોડો આવતો. નીતા શહેરથી થોડે દૂર આવેલ એક ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી, અને સુકેતુ શહેરનાં જાણીતા ઉદ્યોગ પતિનો એકનો એક દીકરો અને આ નાનકડા શહેરનો નગરપાલિકામાં પ્રમુખ તરીકે પણ રહી ચુક્યો.અને હવે તો તે અનેક સંસ્થાનો પ્રમુખ, અનેક ચેરીટેબલ ટ્રસ્ટનો સભ્ય, અનેક સંસ્થામાં ટ્રસ્ટી અને કાંઈક સામાજિક સંસ્થાઓનો મોભી બની ગયો હતો. પાપાની પારાવાર મિલકતો અને સારો એવો જામી ગયેલ બિઝનેસને કારણે સુકેતુ સતત વ્યસ્ત હતો.
સુકેતુ નાહીને બહાર આવ્યો. નીતા કિચનમાં નાસ્તો બનાવતી હતી. શક્કરપારા, સેવ મમરા,મકાઈના પૌવાનો ચેવડો, શીંગ પાક વગેરે. દર રવિવારે નિતાનો આ નિત્યક્રમ આખા અઠવાડિયાનો નાસ્તો એ રવિવારે બનાવે. બને બાળકોના ટીફીનમાં આ ઘરનો નાસ્તો જ હોય. સુકેતુને આ ગમતું નહિ બીજા બાળકો જયારે મેગી ખાતા હોય, પફ ખાતા હોય કે રીશેષમાં કે પછી પિઝા ખાતા હોય ત્યારે પોતાના બાળકો આવો દેશી નાસ્તો ખાય અને એ પણ ઇન્ટરનેશલ શાળામાં એ કેવું એબ્સર્ડ દેખાય!! પછી એ નાસ્તામાંથી નીતા દરરોજ મોટા મોટા ડબ્બા ભરીને શાળાએ લઇ જાય, બપોરનું ટિફિન તો અલગ જ હોય.. એક દિવસ નીતાને કીધું
" તું આટલો બધો નાસ્તો લઇ જાય છે તે તમે બધી શિક્ષિકાઓ નિશાળમાં બેસીને ભણાવો છો કે પછી બેઠા બેઠા નાસ્તો જ કરો છો? ત્યાં તમે કરો છો શું"???
" બસ મજા આવે"!!! નીતા એ સ્મિત કરતાં જવાબ આપેલો...
"તમે આ થોડો નાસ્તો ચાખોને " નીતા કહેતી..
" ના બાબા આદમ ના જમાના વખતનો નાસ્તો મને ના ફાવે, હવે તો ફોરજી નો જમાનો મેડમ અને તમે હજુ ટુજીમાં જ છો, તને કંટાળો નથી આવતો આવી જિંદગી થી""??
" બસ, મજા આવે છે" નીતા એ જ જવાબ.. અને બને હસતાં!!!
આજથી વીસેક વરસ પહેલાં સુકેતુના પાપા એક શાળાનાં ફંકશનમાં ગયેલાં અને તે વખતે એણે નિતાને જોઈ.જોતાંવેંત જ એ એને ગમી ગયેલી ને મનોમન નક્કી કર્યું કે મારા દીકરા સુકેતુ ની સાથો સાથ શોભે એવી એક આ નીતા જ છે, હવે ગમે તે થાય મારા ઘરમાં પુત્રવધુ તરીકે તો આ નીતા જ આવશે. આખા કાર્યક્રમમાં એણે જોયેલું કે આ એકદમ તરવરાટ ધરાવતી એક અલગ જ સ્ત્રી છે. પછી તો માહિતી મેળવીને સંબંધ માટે કહેણ મોકલ્યું અને પહેલે ધડાકે જ ના આવી. બીજા બે ત્રણ લોકો સાથે પણ વાત પાછી આગળ ધપાવી, પણ પરિણામ શૂન્ય!! અને છેવટે સુકેતુનાં પાપા પોતે જ નિતાના ઘરે ગયાં અને વાત કરી. નિતાના પાપા હીરજીભાઈ એક ખેડૂત. વાત જાણી ને તે બોલ્યાં " બધી વાત સાચી ત્રિકમ ભાઈ પણ અમે ગામડાના માણસ ત્યાં મોટા બંગલામાં મારી છોકરી મૂંઝાઈ જાય,અમે તમારી આગળ નાના પડીએ, મન નથી માનતું"..
" હીરજીભાઈ મારી પર વિશ્વાસ કરો મારી પાસે અઢળક સંપત્તિ છે, હું તમારે ઘરે લક્ષ્મી માંગવા નથી આવ્યો, બસ હું તો સરસ્વતીને માંગવા આવ્યો છું" હીરજીભાઇનાં બેય હાથ પોતાના હાથમાં લઈને ત્રિકમભાઈ ગળગળા થઇ ગયાં. અને સુકેતુ સાથે નિતાના લગ્ન થઇ ગયાં... લગ્ન પછી નીતાએ આખા ઘરનો કારોબાર સંભાળી લીધેલોને સાથોસાથ સાસુ સસરાના દિલ પણ જીતી લીધેલાં હા શિક્ષિકા તરીકેની નોકરી ચાલુ જ રાખી.. એક દિવસ સુકેતુ એ કીધેલું
" હવે શું જરૂર છે આ નોકરીની?? છોડી દે અને ઘરે આરામ કર, આ રોજનું અપડાઉન,અને આપણને ક્યાં કોઈ વાતની ઘટ છે કે તારે નોકરી કરવી પડે?"
" બસ, મજા આવે છે" નિતાનો આ જવાબ સાંભળીને સુકેતુ કશું જ ના બોલ્યો... એ પણ સમજતો હતો ને માનતો હતો કે એના પગલાં થયા પછી જ એનું નામ થયું હતું.. પહેલા એ બાપના નામે ઓળખતા હતાં અને આજે એના નામથી એના પાપા ઓળખાય છે.. અને ત્રિકમલાલ સગા સંબંધીને કહેતાં કે
" મારી નીતા સારા પગલાંની છે, તે આવ્યાં પછી જ મારા દીકરાની પ્રગતિ થઇ છે". સમય વીતતો ચાલ્યો..
સુકેતુ હવે એક જાણીતો ચહેરો બની ગયો હતો. મોટા સમારંભોમાં જતો. શાળાઓના ઉદ્ઘાટનોમાં જતો. તેના સેવાકાર્યોને લીધે તેમના વિષે મેગેઝીનમાં છપાવા લાગ્યું.તે લગભગ એકલો જ જતો સજોડે જતો નહિ.. નિતાની સાદગી તેને સારી લાગતી નહિ.
"એક કામ કર તું બ્યુટીપાર્લરમાં જા થોડીક હેર સ્ટાઇલ બદલાવ, તું સુંદર તો છો પણ જમાના સાથે વધારે સુંદર દેખાવું જરૂરી છે" જમતાં જમતાં સુકેતુએ કહ્યું
" તે હું તમને નથી ગમતી" નીતા એ પૂછ્યું.
" ના એમ નથી પણ લોકોને કેવું લાગે કે શહેરની જાણીતી સેલિબ્રેટીની પત્ની આવી ઓર્થોડોક્સ!!!" સુકેતુએ કહ્યું.
" પણ તે ભલે ને લાગે મારે શું, મને તો બસ, આમાં જ મજા આવે છે... નિતાની દલીલ સામે સુકેતુ ક્યારેય દલીલ કરતો જ નહીં!! વિસ વરસમાં એક પણ પ્રસંગ એવો નથી કે જ્યારે બને વચ્ચે નાનો એવો પણ ઝગડો થયો હોય, અથવા તો ઝગડો થાય એવું વાતાવરણ પણ નીતા એ કદી પેદા ના થવા દીધું!! ઘરના બધા જ વહેવારો એણે સંભાળી દીધેલાં!! આમેય તહેવાર અને વહેવાર તો સ્ત્રી જ સંભાળી શકેને!!
પણ મિત્રો આગળ તો સુકેતુ ખુબ જ લઘુતા ગ્રંથિ અનુભવતો. ક્યારેક મિત્રો કહેતા
"યાર તારી પત્ની તો એકદમ સીધી અને સરળ છે, ખરો ભાગ્યશાળી છે તું"
" યાર મેં પણ સમજાવવાની કોશિશ કરી પણ એ નથી સમજતી, જમાના સાથે કેમ ચાલવું એ એને નથી સમજાતું. બસ બધી રીતે સારી પણ આ એક ખોટ છે... નસીબ મારા બીજું શું!!!
સમારંભોમાં સુકેતુ જતો, હાઈ હિલ્સ અને અધતન મેકઅપ કરેલી સ્ત્રીઓ જોતો, એનું મન ખીન્ન થઇ જતું.. વિચારતો કે આ બધી કરતાં મારી પત્ની ખુબ જ સુંદર..પણ એ આ રીતે તૈયાર થતી જ નથી!! રાત્રિની પાર્ટીઓમાં એ એકલો જતો, બેકલેસ બ્લાઉજમાં અને પરફયુમ્સ ની સોડમથી મઘમઘી ઉઠેલી સ્ત્રીઓને જોતો.. પોતાને પોતાની પત્ની મીના કુમારી લાગતી..
એક વખત ચોમાસાનો સમય અને સુકેતુને જયપુર એક કાર્યક્રમમાં જવાનું થયેલું, રેલવેનાં પ્રથમ વર્ગમાં આવવા જવાની ટિકિટો બુક થયેલી. કાર્યક્રમ પત્યા પછી એ રેલવે સ્ટેશન પર આવ્યો. ત્યાં જ જાહેરાત થઇ કે દિલ્હી થી અમદાવાદ જતી તમામ ગાડી ઓ રદ કરવામાં આવી છે.રેવાડી અને આગ્રા પાસે ધોધમાર વરસાદ પડવાથી રેલનાં ટ્રેક પર પાણી ફરી વળ્યાં છે!! થોડીવારમાં તો જયપુરમાં પણ વરસાદ તુટી પડ્યો.. માંડ માંડ કરીને તેને સ્લીપર ક્લાસમાં જગ્યા મળી. ટ્રેને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું . સાંજના આઠેક વાગી ગયાં હતાં.. પોતાની સામેની બર્થ પર એક યુવાન બેઠો હતો. થોડી વાતચીત થઇ. પછી યુવાને એ પુસ્તક કાઢ્યું.પુસ્તકના પાના માંથી એક ફોટો કાઢ્યો, ફોટાને બને આંખો એ ભાવ પૂર્વક અડાડીને ને એ વાંચવા લાગ્યો. સુકેતુ એ પૂછ્યું કે " તમારા માતા પિતા નો ફોટો છે?"
"ના અમને ભણાવતા એ બહેનનો ફોટો છે"... સુકેતુ એ ફોટો જોયો.. એક સામાન્ય શિક્ષિકાનો ફોટો હતો,,એના મન સાવ સાદો ફોટો હતો.. પછી વાત આગળ ચાલી.. પેલો બોલતો ગયો.. " સાહેબ નહિ માનો પણ જે એ બહેને પ્રાથમિક શાળામાં અમને મદદ કરેલી એવી કોઈએ નથી કરી. અમને કોઈ જરૂરી વસ્તુ એ લાવી આપતાં, હું નહિ મારા જેવા અનેક વિદ્યાર્થીઓ આજે એ બેનના ફોટા પાકિટમાં કે પુસ્તકમાં રાખે છે. મેં તો સાહેબ મારા ઘરે પણ મારા રૂમ માં પણ એક આવો મોટો ફોટો રાખ્યો છે!! ઉઠીને એના જ દર્શન થાય!! બહેન ને જે છોકરા ગરીબ હોય ને તેને ખુબ જ મદદ કરતા સાડા ત્રણે એક રીશેષ પડે ત્યારે બહેન અમને નાસ્તો કરાવતા શાળામાં, જેની પાસે પૈસા હોય એ તો બહાર દુકાનમાંથી વેફર ખાઈ લે, પણ અમને તો વળી એ નાસ્તો આપતાં, તમે નહિ માનો કે એણે અમારા પ્રવાસની ફી પણ ભરેલી છે," બોલતી વખતે મયૂરના મોઢા પર એક વિશિષ્ટ અહોભાવ છલકાતો હતો. પછી તો ઘણી વાતો થઇ, બધા જ વિદ્યાર્થીઓ જે અત્યારે સારા હોદ્દા પર છે એણે બહેન ને ભેટ આપવાનું નક્કી કરેલ પણ બહેને કીધેલું કે તમે જે રકમ આપવા માંગો છે એ રકમ નજીકની પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને આપો, અને બધાએ એવું જ કર્યું... ઘણી બધી વાતો થઇ... છેલ્લે મયુરે એ પણ કીધું કે આ જ તે બહેન ને મળવા જઈ રહ્યો છે અને આવતા અઠવાડિયે તે સિંગાપોર જઈ રહ્યો છે એક મલ્ટીનેશનલ કંપનીમાં બહુ જ આજીજી કરી ત્યારે બહેને માંડ હા પાડી છે અને બહેન ને પ્રસિદ્ધિમાં જરા પણ રસ નથી... પછી શાંતિ છવાઈ ગઈ સુકેતુને લાગ્યું કે પોતે પોતાને એક મહાન હસ્તી ગણતો હતો પણ આજ એની સામે યુવાને જે વાત કરી એના પરથી એવું ફીલ થાય કે એ સામાન્ય શિક્ષિકા આગળ તો એ સાવ ફિકકો જ લાગે છે!! પોતે ગમે તેટલું દાન કર્યું હોય પણ કોઈ એનો ફોટો પાકિટમાં રાખતું નથી, કે ઉઠીને એના દર્શન કરતાં નથી... ધીમે ધીમે સુકેતુને લાગ્યું કે એક ભ્રમ જે એના મનમાં હતો.. એ ઓગળી ગયો હતો.. અમદાવાદ આવ્યું.. સુકેતુ અને મયુર કાલુપુર રેલ્વે સ્ટેશને ઉતર્યા બહાર નીકળીને અનિકેતે મયૂરના હાથમાં સરનામું જોઈને કહ્યું
"ચાલ મયુર તારે જ્યાં જવું છે ને એ રસ્તામાં જ આવે છે હું તને ત્યાં ઉતારી દઈશ" સુકેતુની ઓડી કાર પાસે ડ્રાઇવર ઉભો હતો.. બને કારમાં ગોઠવાયાં... એક પોશ વિસ્તારમાં કાર એક બંગલાના ગેટ પાસે ઉભી રહી. મયુર નો હાથ પકડીને સુકેતુ તેને બંગલામાં લઇ ગયો. અને બુમ પાડી..
"નીતુ બહાર આવ, જો કોણ આવ્યું છે" સાંભળીને નીતુ ને નવાઈ લાગી લગ્ન પછી એકાદ વરસ જ એ સુકેતુની નીતુ હતી.. પછી એ નીતા થઇ ગઈ હતી!! તે આજ ઘણા વરસે પાછું "નીતુ" સાંભળવા મળ્યું..
"અરે મયુર તું?, આવ બેટા આવ!! મયુરે નિતાના ચરણ સ્પર્શ કર્યા. સામે ની દીવાલ પર સુકેતુ અને નિતાના સંયુક્ત ફોટો હતો તે જોઈને કહ્યું..." સાહેબ તમે મને છેક સુધીના કહ્યું કે અમારાં બેન ના તમે પતિ છો?? ખરા છો સાહેબ તમે અને પુરા ભાગ્યશાળી પણ છો સાહેબ"!!
"બેટા અમુક સમયે બોલવા કરતાં સંભળવામાંજ આનદ આવે!! બસ મજા આવે!! સુકેતુ ભીની આંખે બોલ્યો.. બધા ફ્રેશ થયા.. બેઠા.. ચા પીધી.. મયુર જવા રવાના થયો.. નીતા એ પૂછ્યું કે કાઈ જરૂર તો નથી ને..
" હા બેન એક મદદની જરૂર છે.. મને એક ડીશ એ નાસ્તો મળશે જે અમને સાડા ત્રણ ની રીશેષમાં મળતો!!"
" હા જરૂર "નિતાની આંખમાં પણ પણ ભીની થઇ ચુકી હતી.. ડાઇનિંગ ટેબલ પર મયુર બેઠો એ જુના અને મોટા મોટા ડબ્બામાંથી નાસ્તો નીકળ્યો,શક્કરપારા, સેવ મમરા, શીંગ પાક વગરે!! એક મોટી ડીશમાં મયુર ને નાસ્તો અપાયો..
" મને પણ આ નાસ્તો મળી શકે?? સુકેતુ એ કહ્યું અને નિતાને નવાઈ લાગી એ બોલી
"તમને આ ભાવશે,, ફાવશે"???
" હા પણ મજા આવે" સુકેતુ બોલ્યો અને નિતાના શરીરમાં ખુશીના દીવડા સળગી ઉઠ્યા!! તમારા વખાણ બીજા કરે એ તો સારું જ લાગે પણ સાવ અંગત વ્યક્તિ બીજાની હાજરીમાં વખાણ કરે ને ત્યારે રોમ રોમ આનંદિત થઇ ઉઠે!! નીતા બેય ને નાસ્તો પીરસતી ગઈ ને મયુર અને સુકેતુએ ભરપેટ નાસ્તો કર્યો...!!!
અને આજે તમે એ સુકેતુનું વોટ્સએપ ચેક કરો ને તો ડિસ્પ્લે પિક્ચરમાં એની પત્નીનો સાદો અને સાડી વાળો એક ફોટો છે અને એનું સ્ટેટ્સ આ પ્રમાણે છે!! "માય ડીવાઈન ડ્રીમ,માય સાઉલ્સ ક્રીમ, માય નીતુ!!

લેખક:-મુકેશ સોજીત્રા
શિવમ પાર્ક સોસાયટી,
ઢસાગામ, તાલુકો ગઢડા.
જી:- બોટાદ.. ૩૬૪૭૩૦

क्या आपको यह पोस्ट पसंद आई ? तो Youtube पर Click करके Subscribe करें और Share- Comment जरूर करें

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top