0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE

                        "સાદુળ કાકા આ વખતે તમારી સામે સંદીપ ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છે!! ટિકલાએ સાદુળને કીધું.
     "એમ, વાત તો મનેય સંભળાય તો છે જ, પણ છોકરાંથી છાસુ નો પીવાય, ભલેને વાતું કરે, પણ એને ટેકોય કોણ આપે,નવું લોહી છેને એટલે થોડું ફૂંફાડા મારે,પછી એય ટાઢું થઈને બેસી જાશે ખૂણામાં" સાદુળે કીધું તો ખરું પણ મનમાં ફડક બેસી ગયેલ કે ગામમાં જે રીતે લોકો સંદીપને બોલાવે છે અને વાતો થાય છે એ રીતે જો એ ચૂંટણી લડેનો તો જીતી જાયેય ખરો, ને જો એવું થાય તો એનાં બાપા દાદાની આબરૂ ધૂળમાં મળી જાય.

મહુવા પંથકના એક ગામમાં આ સાદુળ ગભા સરપંચ અને એય બિનહરીફ, સતત ચાર વાર, એની પહેલા એનો બાપ ગભા મેરા ય સતત છ વાર બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાયેલો.ટૂંકમાં પચાસ વરસથી આ ગામમાં ચૂંટણી નથી સરપંચની. સાદુળનો બાપ પૂરો ભારાડી, બધા જ અપલખણ એનામાં,ગામના સારા સારા ઘર એની મેલી નજરથી નહોતા બચ્યા. ગભો ગામમાં નીકળે ને ત્યારે સોપો પડી જાય. કોઈ એની સામે નજર ના મિલાવી શકે એમાં ચૂંટણીમાં કેમ ઉભા રહે. ગામને પાદર જ એની વાડી. વાડી હતી તો વિસ વિઘા જ પણ આજુબાજુનું ગૌચર દબાવી દબાવીને એંશી વિઘા સુધી પહોંચી ગયેલ. ગામને પાદર પંચાયતનો કૂવો અને એ કૂવામાં એક મોટર પાણી કાઢવાની  તે એ કુવાનું પાણી જાય સીધું આ ખેતરમાં!! વાડી પીવે પછી વધે તો ગામ પીવે!! આવી જ લુખ્ખાગીરી ગભા એ પુરા ત્રીસ વરસ ચલાવી, અને હવે આ વારસાગત જવાબદારી એનો છોકરો સાદુળ સુપેરે નિભાવતો. સાદુળમાંય બાપાના અપલખણ નાનપણ થી જ આવી ગયેલાં, અપલખણ ની એક બાબત મે નોંધી છે કે અપલખણ બીકણ હોય છે એટલે એક અપલખણ ક્યારેય એકલું ના આવે!! અપલખણ હંમેશા જથ્થાબંધ આવતાં હોય છે તે સાદુળમાં પણ નાની ઉંમરે આ બધા જ અપલખણ આવી ગયેલ. એ નાનો હતો ને ત્યારે બાર બાપની વેજા સાથે પાણી શેરડે રાજદૂત લઈને લીમડાના છાયે ઉભો હોય!! અને જો કોઈ વહુ દીકરીને પાણી ભરવા જવું હોય કૂવે ને તો એના ઘરનું કોઈ પહેલા તપાસ કરે કે સાદુળની ગેન્ગ કૂવે છે કે નહીં જો ના હોય તો જ ગામની બેન દીકરી પાણી ભરવા જાય બાકી ઘરે બે કલાક તરસ્યા બેસી રહે!! આવી વ્યક્તિ છેલ્લા વિસ વરસથી સરપંચ!! અને એ પણ ચૂંટણી વગર!! અને ઉપરથી સમરસનાં નામે વધારે પૈસા પણ મળે!! પણ આ વખતે જરાક જુદું વાતાવરણ જોવા મળે છે, વાયરો થોડો અવળો વાય એવું લાગે છે, ગામ ધૂંધવાઈ તો રહ્યું હતું દસ વરસથી પણ બધા જોઈ રહેલાં અને એમાંય સંદીપે ફૂંક મારી ને થયો ભડકો!! ગામમા પેલી વાર પડકાર ઉભો થયો!! એટલું જ નહિ મીટીંગો પણ થવા માંડી!! યુવાનો સાથે સંદીપ ઘરે ઘરે જવા લાગ્યો, કેટલા પૈસા આવે છે દર  વરસે, અને એ ક્યાં વાપરવાના હોય અને એ કયાં વપરાયા છે!! આ બધું થવા માંડ્યું જાહેર!!!! અમુક ને તો ત્યારે જ ખબર પડી કે લે આપણાં ગામમાં તો  શેરીએ શેરીએ પાકા રોડ સરકારી ચોપડે બની ગયા છે!! વાતાવરણ જામતું ગયું તો સાદુળે પણ આ વખતે પૈસાની થેલી છૂટી મૂકી.મોટી ઉંમરના અને અમુક આડા ધંધા વાળા સાદુળની સાથે દેખાવા મંડ્યા. ગામના યુવાનો અને સ્ત્રી વર્ગ સંદીપની સાથે. એક વર્ગ એવો હતો કે જે વર્ષોથી સાદુળ ને એનાં બાપની સાથે જ હતો... ગુલામી એક એવી કુટેવ છે કે જે લગભગ જલ્દી નથી જાતી!!
         ગામનાં વણિક તલકચંદ મહિનાથી આ બધો ખેલ જુએ!! કોઈને કહે નહિ પણ આખા ગામની રજે રજ માહિતી સાંજે મળે !! આ તલકચંદ પણ મોકાની રાહમાં જ હતાં. તલકચંદ ના ઘણાં રૂપિયા આ સાદુળ ગભા એ ખોટા કર્યાં હતાં. બહુ ઉઘરાણી કરીને ત્યારે એક લાખના દેણા સામે સાદુળે વિસ હજાર આપ્યાં ત્યારે શેઠ બોલ્યાં
       " ગામ ધણી કહેવાવ તમે એમ કરો ઈ નો હાલે પાંચ હજાર ઓછા આપો ઈ હાલે પણ આ તો એંશી હજાર ઓછા આવું નો પોહાય સરપંચ"
      " તે ગામમાં ધંધો કરવો છે કે નહિ, જે આપે ઈ લઇ લેવાનું નહીંતર...... પછી લઇ લેજે લે....  હિંગ તોલ્ળ માપમાં રહેવાનું"  સાદુળે પોતાની જાત બતાવી. શેઠ તલકચંદ ઠરેલ બુદ્ધિના વણિક, ગમ ખાઈ ગયાં, પણ મગજમાં શબ્દો અંકિત થઇ ગ્યાં. તે લાગ જોઈને સોગઠી મારી શેઠે. સંદીપને એક રાતે બોલાવ્યો.
     " સાંભળ્યું છે કે તુંય ફોર્મ ભરશ આ વખતે તે ગામના સારા ભાગ્ય"
    " હા શેઠ આજુ બાજુના ગામ જુઓ તો તમને ખ્યાલ આવે કે કેવા ગામ હતા અને અત્યારે ક્યાં છે, પણ આપણું ગામ પચાસ વરસ થી આના ને એના બાપના તળિયા ચાંટ્યા તે મળ્યું શું!!
    " સાચી વાત છે પણ સાદુળે ભેગું બહુ કર્યું છે ને તે બે હાથે પૈસા વાપરશે, ગફલાતમાં ના રહેતો, જરૂર હોય તો કેજે"
          એમ કહીને વિસ હજારનું બંડલ પરાણે સંદીપને આપ્યું. અને આપી કેટલીક ટિપ્સ!!  અને પછી ચૂંટણી જાહેર થઇ ને પ્રચાર શરૂ થયો... ને ફોર્મ પણ ભરાઈ ગયા.. ગામનું વાતાવરણ સાવ બદલાઈ ગયું.. સંદીપની સાથે ગામના યુવાનો અને સારા માણસો  હોય ને સાદુળની  સાથે ગામના ઉતાર સિવાય કોઈના હોય... સાદુળે ઘણા ધમપછાડા કર્યાં પણ સામેની પેનલમાંથી કોઈ ફોર્મ પાછું ખેંચવા તૈયાર ના થયું.. ફોર્મ પાછું ખેંચવાના આડે હવે માંડ બે દિવસ જ હતાને એક ઘટના બની...!!!
           વાડીએથી ભજિયાનો પ્રોગ્રામ પતાવીને સંદીપ અને તેના ચાર પાંચ મિત્રો આવતા ને તે રસ્તામાં જ આઠેક બુકાનીધારી આડા ઉતર્યા ને લૂંટફાટ કરી શરુ બધા પાસે તલવારો ને આ લોકો ખાલી હાથે, ધોલ થપાટ થઇ, ને ત્યાં સાદુળ ગભાનું રાજદૂત આવ્યું. એની સાથે બીજા રાજદૂત પણ હતા    પડકારો થયો
" અલ્યા કોણ છે, અને આ અડધી રાતે શું છે"
" કોણ સાદુળ" એક બુકાનીવાળા એ પૂછ્યું
"હા પણ તું કોણ તારો અવાજ ઓળખાતો નથી" સાદુળે કીધું
" તે જરૂરેય નથી ઓળખવાની અને આમાં શું કામ પડય છો ભાઈ... આ તો તારો દુશ્મન છે તારી સામે ઉભો રહ્યો છો" બુકાની વાળો બોલ્યો..
'" પણ અત્યારે તો હું ગામનો ગામ ધણી, મારી નજર સામે મારા ગામનાને કોઈ મારે ઈ હું નો જોઈ શકું, માટે જીવતા રહેવું હોય તો વેતીના પડો"
        કહીને સાદુળ સામે દોડ્યો, અને બટાઝટી  બોલી. દસેક મિનિટ ચાલ્યું ને પેલા બુકાનીધારી ભાગ્યા.સાદુળ ને પગે તલવાર વાગેલી ને એક હાથે ચરકો પડેલો. પણ સંદીપ અને તેના માણસો બચી ગયા. ગામ આંખમાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ કે સાદુળે બહાદુરીનું કામ કર્યું. બીજે દિવસે ટોળું ઉમટ્યું સાદુળ ને ઘેર... વાહ !!!... ગામધણી.... વાહ...!!! આમેય ટોળાને મગજ તો ના હોયને!!!એક જ પ્રસંગમાં સાદુળ હીરો બની ગયો... એય ને સાદુળ ની ડેલીએ ખાટલા નંખાણાં.... ઉભા ગળે જેને ખવરાવ્યુંતું એ અધિકારી ઓ આવ્યા ખબર કાઢવા.. ગામ ફાટી આંખે જોઈ રહ્યું.. આને ઓળખાણ કેટલી!!! આતો દેવનો દીકરો!!! પછી સાંજના સમયે ગામના કહેવાતા ડાહ્યા માણસોને બોલાવ્યા અને સાદુળ બોલ્યો
      " કાલે હું અને મારી પેનલ ફોર્મ પાછા ખેંચીએ છીએ.. આમેય હવે પેલા જેવો કોઈ રસ નથી અને ગામને પણ હવે કાંઈ રસ નથી અને તમને તો ખબર્ય જ છે કે મારા બાપાએ અને મેં ગામ હાટુ જિંદગી ખર્ચી નાંખી તે મને આજ વિચાર આવ્યો કે સંદીપ હોંશિયાર છોકરો છે, ગામનું ભલું કરશે, અને આમેય મને હવે થાક જ લાગે છે, એટલે હું તમને હાથ જોડું છું કે મને રોકશોમાં ભલા થઇ ને, હું કાલે ફોર્મ પાછા ખેંચું છું!! બોલતાં બોલતાં આંખમાં ઝળઝળીયા આવી ગયાં.અને થોડીક ઉધરસ પણ ખાધી અને પછી જાણે દુઃખ સહન નાં થાતું હોય એમ મોઢે અને આંખુએ રૂમાલ રાખીને એક ડૂસકું પણ ખાધું!!! અને પછી વિનવણી નો દોર શરુ થયો... સોગંદ દેવાણા!! તમે જ અમારા ગામ ધણી!! તમે જો ફોર્મ પાછું ખેંશો તો અમે ગામ મૂકીને જતા રહીશું એવો પણ સુર શરુ થયો.. પાછો સાદુળ બોલ્યો..
       " આતો મરતી વખતે મારો બાપ કહેતો ગયો હતો કે બેટા ગામની સેવા એ જ સાચી સેવા !!!એટેલે બાકી મારે આમાં ઘરનાં રોટલા જાય છે, !ઝ!! કાંઈ વધતું નથી, પણ બાપાએ કીધેલું એટલે કરવું પડે છે, પણ ગામ માં વિખવાદ થાય એ મને નો પોહાય બાકી ગામમાં ચૂંટણી નો આવવી જોઈ.. ચૂંટણીમાં મનદુઃખ થાય, તડા પડે, ગામ સળગે અને આ બધું થાય તો મારા બાપા ગભા મેરાનો આત્મા સરગે બેઠા બેઠા રોવે કે અરેરે મારા ગામની આ દશા!! મારા ગામમાં ચૂંટણી આવે!!!!  અને એટલે જ કહું છું કે આ વખતે સંદીપ ભલે થાય સરપંચ!! હું એની હારે જ  હઈશ.. લાવો તાંબાનું પતરું તમને લખી દવ કે સંદીપની હારો હાર હું કામ કરીશ એને તાલુકામાં ને જિલ્લામાં  બધી ઓળખાણો કરાવી દઈશ. અને એ બીવે નહિ હું એને નડીશ નહિ!! નડે એ બે બાપનો હોય!!"
             અને રોઈ પડ્યો સાદુંળ!! લોકોની આંખમાં પણ આંસુડાં!!! માણસોના હૃદય દ્રવી ઉઠ્યા!!! લોકો દોડ્યા ગયાં સંદીપના ઘેર એને રીતસરનો ઘઘલાવ્યો!!!... અને લાવ્યા દબાણ ને ફોર્મ ખેંચાવ્યા પાછા!!  અને બીજા પાંચ વરસ માટે બિનહરીફ,સમરસ ગામ સાદુળ ગભાને નામ!!!!!.ભારત આઝાદ થયું એ સાચું પણ હજુય અમુક ગામડાઓમાં ગુલામી તો શરુ જ છે!!
      અને એ રાતે સાદુળની વાડીમાં ઓલ્યા બુકાની વાળા આવ્યાં... સાદુળ ને ભેટ્યા... સાદુળે પૈસા આપ્યા..રોયલ સ્ટેગની બોટલો ખુલી,   બાઈટિંગ ના પડીકા આવ્યા.... તારા સામ ને, બે બાપનો હોય, ને એવા બધા સોગન્દ દેવાણાં!! મહેફિલ જામી અને સાદુળ બોલ્યો
   "ટિકલા હું નો તો કેતો કે છોકરાથી છાસુ નો પીવાય. એ નાનકડાં સંદીપડાનું શું ગજું!! આ તો સાદુળ ગભા!! ભાઈ સાદુળ ગભા!! ત્યાં એક બુકાની વાળો પેગ મારીને બોલ્યો.
   " અલ્યા સાદુળ તું લખણ ખોટીનો છો એ તો ખબર હતી જ પણ કલાકાર નો દીકરો છો એ તો હવે જ ખબર પડી... અને પછી ખીખીયાટા અને બખાળા થી ગામની સીમ પણ ધ્રુજી ઉઠી!!!

લેખક:-મુકેશ સોજીત્રા    
શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.
મુ. ઢસા ગામ તા;- ગઢડા
જી:- બોટાદ પિન 364730

क्या आपको यह पोस्ट पसंद आई ? तो Youtube पर Click करके Subscribe करें और Share- Comment जरूर करें

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top