0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE


                  ગટીઓ અને ધમો  પૂણાગામ થી સારોલી જવાના ઉબડખાબડ રસ્તા પર આવેલી કેનાલની પાસે આવેલ કેળાના ખેતરમાં બેઠા હતાં. જાતના દેવી પૂજક અને પુરા ભારાડી. ગટીઓ તો એનું ઉપનામ મૂળ  નામ તો ગટુ. કોઈના ખિસ્સા કાપવા, કે કોઈનું પાકીટ મારવું, એ એનાં બાપદાદાનો ધંધો. સપનામાંય એને બીજા ધંધાનો વિચાર ના આવે, એય સવારમાં નીકળે સીતાનગર ચોકડી થી, જગદીશ્વરના પોપડામાં થઇ ને મીની બજારમાં,ત્યાંથી આંટો મારતા મારતાં હીરાબાગ, કાપોદ્રા થઈને ચોપાટીએ પહોંચે ત્યાં એમને બપોરા કરવાનાં, અને ત્યાં પહોંચે ત્યાં સુધીમાં બંને જણા કોઈના બે બે ખિસ્સાના ભાર હળવા કરી નાંખે, જે મળે એમાંથી સંતોષ માને પણ હવે તો એટીએમનાં જમાનામાં લોકો પોતાની પાસે પૈસા રાખતા જ નથી, એટલે ખિસ્સા કાપવાનાં ધંધાના વળતાં પાણી થયા છે,પણ આ બને તો પોતાના વ્યવસાયને વળગી જ રહ્યા છે..
            " ગટીયા કઈંક કર, હવે તો કોઈ મોટો બોકડો પકડવો પડશે,નહીંતર આ દિવાળી હવે સારી નઈ જાય" કેળની વાડીમાં દેશીની કોથળી ખિસ્સામાંથી કાઢતા કાઢતાં ધમો બોલ્યો.
        "હા હાવ હાચી વાત કરી ધમલા તે, ઓણ આપણેય મોળું વરહ છે, દેવીના સમ બોલ્ય,  છો મહિના વહ્યા ગયા ઇંગલિશ પીધો એને નહીંતર આ ગટુભા બાપ ગોતરમાં ય દેશીને અડે.....   નો અડે.. ...  નો !!!!!
             આ તો વીરા જૂઠાનો વંશ,એંનું લોહી. મારા દાદાનું નામ લાજે છે આ કોથળીનું પીતાં પણ શું થાય."
                વાત સાચી હતી ગટીયાના દાદા મારફાડ હતાં. મૂળ તો એ ઓખા મંડળના દેવી પૂજક પણ કહેવાય છે કે વીરા જૂઠા એ આઝાદી પહેલા કરાચીમાંથી એક મેમણનું મકાનમાં ધાપ મારી હતી તે 1000 ની નોટુંના ત્રણ કોથળા ભરાયા હતાં, તે એ એક ટ્રકમાં દિલ્હી રેલવે સ્ટેશને આવ્યાં,  અને દિલ્હી રેલવે સ્ટેશને ટાઢ કહે મારું કામ અને ગુજરાતની ગાડી આવે ઠેઠ સવારે તે રેલનાં પાટાની ઓલી બાજુ આવેલ ખાલી મકાન માં વીરા જૂઠા ઘુસી ગયાં,પણ ટાઢ વધી ગઈને ઓઢવાનું કાંઈ ના મળે, તે લાઇટર થી એક પછી એક નોટ સળગાવતા ગયાં અને તાપતાં ગયા, સવારે એક કોથળો બાળી નાંખેલો અને બે કોથળા નોટું લઈને ગુજરાત આવેલા..
             "લે આ એક બીજી લે"  કહીને ધમાએ બીજી કોથળી તોડી..   "ના ધમા મને આમેય દેશી નથી ફાવતો આ તો તારું વેણ રાખવા પીધો બાકી વીરા જુઠાના વંશજ દેશીની સામું જોવેય નહિ" ગટીયો મોઢું બગાડીને બોલ્યો.
  " એ નો પીવે એને 'કમુ' ના સામ" ધમલો બોલ્યો કે ગટીયાએ આખી કોથળી મોઢામાં નાંખીને એક શ્વાસે પી ગયો. કમુ સાથે ગટીયા ને નાનપણ થી ભાઈબંધી,કમુના બાપા કડોદરાનાં ખાંડના કારખાનામાં ચોકીદારનું કામ કરે, આતો ગટીયો  કડોદ્રામાં બે વરહ રહેલો તે કમુ સાથે જીવ મળી ગયેલો,કમુનેય ગટીયો ગમી ગયેલો, કમુના બાપનેય વાંધો નહોતો, ગટીયો જયારે કોઈ મોટી ધાડ મારતો ત્યારે એ કમુના બાપ સારું 'રોયલ સ્ટેગ' લઇ જતો,કમુનો બાપ આખી બોટલ નિટે નીટ પી જતો ને પછી સુઈ જતો. ને પછી કમુ અને ગટીયાને મોકળું મેદાન મળી જતું. તે લગભગ સવારના પાંચ  વાગ્યે એ ત્યાંથી પોતાની ઓરડીએ જતો.
       "ધમલા આ દિવાળી કોરી જાશે એ મને નહિ પોહાય... કમુને બાંધણી લેવી છે, ગોવા ફરવાય જાવું છે, કંઈક તો કરવું પડશે ધમલા કાંઈક કરવું પડશે"  ગટીયાને આજ દેશીની અસર વર્તાતી હતી..
      " ગટીયા આપણાં દિવસો હવે પુરા થઇ ગયા છે લોકો હવે ચાલાક થઇ ગયા છે તેમ છતાં એક સ્થળ છે મારા ધ્યાન માં... સરથાણા જકાતનાકા પાસે જમીન ના દલાલો હોય છે સાંજ ના હાથમાં  મકાનના  બાના ના પૈસાની થેલીઓ હોય છે. એકાદ કોથળી મળી જાય ને તો પાછી 'કમુ" ખુશ થાય"  અને કાલની ધન તેરસ પણ સુધરી જાય..........કમુનું નામ આવતાં  જ વળી ગટીઓ રંગ માં આવી ગયો.
        'તો કાલ પાકું તું મને સવારમાં શામજી બાપાના મંદિરે મળ હોટલ તાપ્તિ રસ  પાહે,  ન્યાં બેહીને આપણે પ્લાન ઘડીએ " આટલું કહેતાની સાથે જ ગટીયો સહેજ લથડિયું      ખાતો ખાતો કેળની વાડી ને છેડે આવેલાં પોતાની કોટડીમાં ગયો અને ધમલો પણ ભૈયા નગર તરફ ચાલતો થયો..
                બીજે દિવસે બેય સીમાડા નાકેથી શામળા બાપાના મંદિરે ભેગા થયાં.લોકેશન જોવાઇ ગયું,જોખમનું માપ પણ નીકળી ગયું. સરથાણા જકાતનાકાની ચોકડીએ જમણી બાજુ એક ચીકુની વાડી જોઈ. ફુલ પ્રૂફ પ્લાન પસંદ થયો.ગટીયાએ વાડીમાં રહેવું,જો કોઈ માલ મતા મળી જાય તો ધમલો એનો ઘા વાડીમાં કરશે અને પછી ભાગી જશે,એ માલ ગટીયાએ સાંજ સુધીમાં પહોંચાડી દેવો, અને સાંજે "પાર્ટી"માં ભેગું થવું.અને ભાગ પાડવા.
               સાંજના પાંચેક વાગ્યા હશે ને ધમલાનું ધ્યાન ગયું,એક દાદા હાથમાં થેલી લઈને ઉભા હતાં, બાકી લાંબી કોઈ અવરજવર નહોતી, ધમલો થેલી ઝુંટવીને ભાગ્યો, દાદાને બીજા લોકો પાછળ દોડ્યા, ધમલે સીટી મારીને થેલી બગીચામાં નાંખી, ગટીયો તૈયાર જ હતો, દાદા અને લોકો બગીચા તરફ દોડ્યા, ધમલો નાસી ગયો, બગીચાની અંદર ગયા તા ત્યાં કોઈ નહોતું, ગટીયો પૈસા લઈને,  વાહલો દરાવજો ઠેકી ને ,સોસાયટી માં થતો થતો તાપીને કિનારે થઈને પુલ ઉપરથી  મોટા વરાછા પહોંચ્યો, ત્યાંથી રિક્ષા કરી લીધી સ્પેશયલ અશ્વિની કુમારની. ત્યાંથી મીની બજાર....
                      સાંજનાં આઠ થવા આવ્યા. કેનાલને કાંઠે કેળની વાડીમાં ધમલો રાહ જોઈ રહ્યો હતો, ગટીયો હજુ ના આવ્યો, ધમલો આજ ખુશ હતો,થેલીમાં અંદાજ પ્રમાણે 40000 ની રકમ તો હોવી જ જોઈએ,  આજની ધન તેરસ સુધરી જવાની છે, દિવાળી પણ  ટેસડા વાળી જશે...
        લગભગ સાડા આઠે ગટીયો દેખાણો, થાકેલો ચહેરો, આવ્યોને ખીસ્સામાંથી 4 પોટલી કાઢી અને એક ખારી  શિંગનું પડીકું કાઢ્યું, અને લાંબા પગ કરીને બોલ્યો હે માં મેલડી તારી દયા છે, ધમલો સમજ્યો નહિ, આજ તો ઇંગલિશ નો વારો હતો,
      " કેમ આજ દેશી ગટીયા  ? અને પૈસા ક્યાં?''
     "તું પેલા આ એક ટટકારી લે પછી કહું" ગટીયો પોતે એક કોથળી ગટગટાવી ગયો.
     "જો વાત એમ છે ધમલા કે હું વીરા જુઠાનો વંશજ એટલે ખોટું તો નહિ જ બોલું, ખોટું બોલે એ બાપનો હોય,ભૂંડે!!!!!  માલ હતો લગભગ 42 હજારનો, લઈને આવતો બોમ્બે માર્કેટ ચોકડી પાસે દુબળ પટ્ટીમાં મેં એક ટોળું જોયું, જઈને જોયું તો એક ઓરડીની બહાર સામાન પડયોતો એક બાઈ અને ત્રણ નાની છોકરીઓ રોતી'તી અને દુબળપટ્ટીની ડોન કડવી એ  બાઈને  જાહેરમાં  છડે ચોક ઘઘલાવતી કે  લાવ્ય મારા બાકી નીકળતા ૪૪૦૦૦ લાવ્ય, નહીંતર નીકળ ઓરડીની બહાર અને વેતીની થા, હાલ જાવા દે....  બિચારી બાઈ આજીજી કરતી હતી,કરગરતી હતી.   ટોળામાંથી મને જાણવા મળ્યું કે બાઈનો ધણી આજ સવારે બીજી બાઈ હારે ભાગી ગયો છે, કોણ જાણે મને શુંય સુઝ્યુંકે મેં કડવી ડોશી પાસે જઈને ૪૨૦૦૦ રૂપિયાનો ઘા કર્યો અને કીધું ગણી લે તારા પૈસા, હાલ્ય અને હવેથી કોઈ દી ખાલી કરાવા નો આવતી  ઓરડી , હાલ્ય દાંડે પડય દાંડ....  ટોળાંના બધા માણસોએ તાળીઓ પાડી.  કડવીએ પૈસા ગણ્યાં અને કીધું બે હજાર ઓછા છે, પણ ટોળાં એ તરત ફાળો કર્યો અને બીજા બે હજાર નો ઘા કર્યો. અને કડવી નો બોલાવ્યો હુરિયો!!!!! પેલી બાઈએ અને એની ત્રણ નાની દિકરીઓએ મારા સામું હાથ જોડ્યા.......બાઈ પોતાનો સામાન પાછો ઓરડીમાં ગોઠવવા લાગી,   અને  શું કહું ધમલા પેલી નાની દીકરીઓની આંખમાં જે ચમક આવી એ જોઈને મારી ધન તેરસ સુધરી ગઈ, અને આમેય આજ  ધન તેરસ  ને આજ દિવસ કોઈ લખમી રખડી પડે  અને એની બે ગા જેવી દીકરી રસ્તે  રજળે એ આ  વીરા જુઠાના લોહીને નો પોહાય... આવું હતું ધમલા...... અને ધમલા પૈસા ક્યાં આપણાં બાપના હતાં........તારા ભાગના પૈસા પણ જે હું આપી આવ્યો, એ હું તને ક્યારેક આપી દશ, ખોટું બોલે એ બે બાપનો હોય ભૂંડે!!!! એકી શ્વાસે ગટીયાએ વાત પુરી કરી ને બીજી કોથળી ધમલાને અંબાવી અને પોતે બીજી તોડી...
        "તંબુરે માર્યે ગયાં પૈસા ગટીયા,, આજ મને ટેસડો પડી ગયો કે બાકી ભાઈ બંધ હોય તો આ ગટુભા જેવો જ વાહ!!!  વાહ !!!!  વીરા  જૂઠા નું લોહી એટલે કેવું પડે!!!  બાકી ગટીયા પૈસા હાથનો મેલ છે આજ છેને કાલ  નથી...ભૂંડે!!!! બાકી આજ તો તે ધનતેરસ  સુધરે એવું કામ કર્યું. બાકી કમુ કહેવાય ભાગ્યશાળી હો ભૂંડે!!!" એમ કહીને ધમલો બીજી કોથળી પણ ગટગટાવી ગયો...
          એટલામાં લાઇટનો શેરડો પડ્યો કેળનાં ખેતરમાં, ને પોલીસની જીપ રોડ પર ઉભી હતી.બે કોન્સ્ટેબલ આવ્યાં,બેય ને પકડીને લઇ ગયાં પીએસઆઇ પાસે..... પીએસઆઇ મોબાઈલ હાથમાં લઈને વોટ્સેપમાં સળી કરતાં હતાં.
        " સાબ આ બેય દેશી પીતાતા, બેય છકેલ ગુંડા છે આ વિસ્તારના, શું કરવું છે આનું, બોલો"
       " એય પાટીલ એનાં ખિસ્સા તપાસ જે હોય એ લઇ લે અને જાવા દે એને , કેસ કરીને આવાની હારે કોર્ટમાં જાવા કોણ નવરું છે નવા વરસમાં અને મુદતે મુદતે...," પીએસઆઇ બોલ્યાં. પાટીલે બેયના ખિસ્સા તપાસ્યા,અને બોલ્યો.
" સાહેબ ખિસ્સામાં તો દોઢસો રૂપરડી છે."
" લઇ એ પૈસા અને બબ્બે ડંડા લગાવી દે સાલાઓને  આવતો રે જીપમાં સાલા સાવ લુખ્ખા લાગે છે, આવા ને આવા ભટકાય છે આજ સવારથી...આજ તો સાલી ધનતેરસ બગડી ગઈ એમ બડ઼બડાટ કરતા પીએસઆઇ જીપમાં બેઠા અને એક કોન્સ્ટેબલ કમ ડ્રાઈવરે સીતાનાગર ચોકડી તરફ જીપ મારી મૂકી....લેખક:-મુકેશ સોજીત્રા
મુ. ઢસા ગામ, તા.-ગઢડા જી;- બોટાદ...   

क्या आपको यह पोस्ट पसंद आई ? तो Youtube पर Click करके Subscribe करें और Share- Comment जरूर करें

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top