0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE


     આજ દિવાળી હતી ને ઠેઠ શરદપૂનમ થી ગામના  આ ચારેય ભાભલા ખુશ હતાં... આમ તો બે વરહ પહેલાં આમાંથી એક ભાભો અમેરિકા ગયેલો, તે બાકી આ ગામમાં આ પાંચ વખણાતા.. પાંચ ભાભલા, પાંચ ડોસા!!! ઓધાભાભા, કરમશી ભાભા, રણછોડ ભાભા, વાલા ભાભા, અને ગોબર ભાભા!!! આમાંથી ગોબર ભાભા જતા રહ્યા અમેરિકા એનાં બેય દીકરા પાસે એટલે વધ્યા આ ચાર જણા!! ચોરાનો વંશ તો આ ચારેય જીવતો રાખ્યો જ!! હજુ સુધી કોઈની નજર આ ભાભલા પર નથી પડી, બાકી આના ઉપરથી ફિલ્મ બની શકે  " ફોર ઇડિયટ્સ" આવા ઐતિહાસિક ધરોહર જેવાં આ ચારેય ભાભલા આજ દિવાળીને દિન ખુબ જ ખુશ હતાં!!! ખુબજ ખુશ!!! કારણ!!! બે વરહ પહેલાં અમેરિકા ગયેલો ગોબર આજ તેની સાથે વાત કરવાનો હતો અને એ પણ સામું દેખાય એ રીતે મોઢા મોઢ!!! વાલાભાભા ના પુનિયાનો છોકરો કંઈક વધારે પડતું ભણી ગયેલો ને તે એણે શરદપુનમે કહેવરાવેલું કે 
                   " આતા ને કહી દયો કે હું દિવાળી એ આવુને ત્યારે મારાં ટેબ્લેટ્સ માંથી તમને મોઢા મોઢ ગોબર આતા હારે વાત કરાવું!!ગોબર આતાના છોકરા નાં છોકરા સાથે મારે વાત થઇ ગઈ છે કે દિવાળીનાં દિવસે હું આ ચારેય ભાભલાને એનાં ભાઈ બંધ નો ભેટો કરાવીશ અને એ પણ લાઈવ અને મારી પાસે "રિલાયન્સ જીઓ"નુઉ કાર્ડ પણ છે"
                    તે આજ સવારથી જ આ ચારેય બાઈબંધો એ બજરંગ દાસ બાપુના ઓટલે જમાવી હતી. આ લોકો ની બે બેઠક... સવાર થી બપોર સુધી બજરંગદાસ બાપુનો ઓટલો, અને બપોરથી સાંજ સુધી રામજીમંદિર!!! જેમ આપણી દિલ્હીની સંસદમાં રાજ્યસભા અને લોકસભા નામનાં બે ગૃહ આવેલા છે એમ અમારે કાઠીયાવાડમાં પણ ગામે ગામ આવા બે ગૃહ જોવા મળે છે... અને અહીંથી જ કાયદા ઘડાય, અહીંથી જ નિરીક્ષણ થાય!!! ખાસ કરીને રામજી મંદિરે બેઠા બેઠા કાંઈ ધન્ધો તો હોય નહિ, કોઈ ચલમ પીવે, કોઈ માવો ખાય, કોઈ તમાકુ ખાય,કોઈ વળી મીરાજ ખાય અને આવું ખાતા ખાતા ગામનો જીવ ખાય એ પાછું વળી નોખું!!! અને વાતુંય કેવી પાછી!!
     " અલ્યા વાલા હમણાં અરજણ ના વહુ નથી દેખાતા આ શેરી એ તે કાંઈ સારા સમાચાર તો નથીને"
     "અલ્યા ઓધા તું ભલે ગમે ઈ કે પણ આતો મને હવે ધોળા આવ્યા એટલે કોઈ નો માને બાકી આ ચાંદીયાની વહુ છે ખતરનાક, એનો પગ પડયોકે તરત જ મને ખબર પડી ગયેલી કે આ વવ બાપનું નામ બોળવાની જ!!!
      " અલ્યા કરમશી તારી શેરીમાં ઓલી એક નવી માસ્તરાણી આવી છેને કાંઈ તે એ ક્યાં ગામની છે, ઈ કાંઈ ખબર છે તને, મેં તો ઘણી વાર ટ્રાય મારી પણ મોઢું નથી જોયું બોલ, પેલું નાનું એવું ફટફટીયું બહાર કાઢે અને બેહે માથે !!!  માથે બાંધેલું હોય, કાળા ચશ્મા પહેરેલા હોય, હાથે અને પગે બેય જગ્યાએ  ઠેઠ લગણના મોજા હોય ને પણ છે રૂપાળી હો!! મને ય ઘણી વાર વિચાર આવે કે સરકાર રૂપાળા રૂપાળા ને જ કેમ નોકરી આપતી હશે હે"
             બસ આવી જ વાતો બપોર પછી ઉપલા ગૃહ એટલે કે રામજી મંદિર માં થાતી હોય!! અને આજે આ ચારેય ભાભા ખુબજ ખુશ હતા...કારણ કે આજ એને ગોબર ગઢ્ઢી સાથે વાત જ નહીં મોઢા મોઢ વિડીઓ કોલિંગ થી વાત થવાની હતી... આ પાંચેય ભાભા માં ગોબર ભાભો એટલે કે ગોબર ગઢ્ઢી કેપ્ટન હતો... આ લોકોની વિશેષતા એ હતી કે આ બધાંયના મકાન એક શેરીમાં, એક જ લાઈનમાં, હતા. પેલા ધોરણ થી આ પાંચેય સાથેજ ભણવા બેઠેલા, તે  નાપાસેય એક સાથે જ થતાં એક જ વરહના હતાં ને ત્યાંથી આ બધા એકબીજાને ઓળખે આવી અતૂટ મિત્રતા!! પણ હવે એક તો અમેરિકા ગયો હવે વધ્યા ચાર!!! આ ગોબરને બધા પહેલેથી ગોબર ગઢ્ઢી જ કહેતા, આમ ખુબ પૈસાવાળા પેલે થી પણ નિશાળે જતો ને ત્યારે ઉભો ના રહી શકે, કેડ દુખે નાનપણ થી, એટલે સાબ ખીજાય,
" અલ્યા કેડ ભાંગી ગઈ છે, ગઢો થઇ ગયો છો," બસ ત્યારથી આ 75નો થયો ત્યાં સુધી બધા એને ગોબર ગઢ્ઢી જ કહેતા!! બીજી વિશેષતા એ હતી કે એને વાત વાતમાં વ્યવસ્થા!!! જડબે સલાક!!! એમ બોલવાની ટેવ.
   એક વખત એને વાલા એ જ પૂછેલું કે
     " અલ્યા તે તારા છોકરાને રાજકોટ ભણવા મુક્યા તે ત્યાં વળી કેવું ભણતર છે"
     " અરે ભણતર એટલે રાજકોટનું, સવારથી શરુ થાય તે રાત સુધી!! વ્યવસ્થા!!! જડબેસલાક!!! છોકરાને ના આવડે તો મારે નહિ, ખાવાનું સારું, બધું જ  સારું, છોકરું રે કોટામાં!!! એને કાંઈ ના ઘટે!!! વ્યવસ્થા !!! જડબેસલાક!!! છોકરું બીમાર પડ્યું તો તરત ડોકટર આવી જાય!! એના કપડાં ધોવાઈ જાય!! અને સંડાસમાં પણ એવું કે બધું ઓટોમેટિક થઇ જાય!! તમે એક વાર એની વ્યવસ્થા જુઓ ને!! તમેય બોલી ઉઠો!!! જડબેસલાક!!!!
           આ ગોબરભાભા ના બેય છોકરા અત્યારે ભણીને અમેરિકામાં છે બેય ને નોકરી અલગ અલગ છે, બેય ની વચ્ચે 400 કિમીનું અંતર છે... આ બેય છોકરા બેંગ્લોર ભણતા ને ગોબર ગઢ્ઢી બે વાર બેંગ્લોર ગ્યોતો, આવીને વાતો જમાવે
" અહીં આપણે જ ભૂખ છે, જાવ તમે બેંગ્લોર તો ખબર પડે કે વ્યવસ્થા કોને કહેવાય, એકદમ જડબેસલાક, રસ્તા ચોખ્ખા!! માણસો ચોખ્ખા!! ફૂલોના બગીચા!!! એ યને ત્યાં છોકરીયું મોટર અને સ્કૂટર હાંકે!! અને એય ખુલ્લું મોઢું રાખીને!! વ્યવસ્થા !!! જડબે સલાક!! કોઈ કોઈને નડે નહિ!! તમારો અંગુઠો લે નિશાળમાં પછી જ જાવા દે, મહિનામાં એક વાર જ મળવાનું!! આવી વ્યવસ્થા!!! જડબેસલાક!!!
     પછી તો ગોબરભાભા ના બેય છોકરાને અમેરિકા મળી નોકરી ને ગોબરદાદા શરુ થયા!!
   '" કાલે જ રાકલાનો ફોન આવ્યો તો ભાઈ અમેરિકા એટલે અમેરિકા કેવું પડે વ્યવસ્થા જડબેસલાક!! બધું જ નિયમસર થાય, પ્રમુખની છોકરીને પણ દંડ થાય ને આપણે તો સરપંચના છોકરાનેય એના બાપની હવા હોય ત્યાં એવું નહિ!! વ્યવસ્થા!! જડબેસલાક!! ઘરે ઘરે થન્ડા અને ગરમ પાણી આવે, માં બાપથી છોકરાને મરાય નહિ, જપ મારો તો પોલીસ પકડીને તમને ધબધબાવે ત્યાંની વ્યવસ્થા!!! જડબેસલાક!!! કાંઈ નો ઘટે!!!
        ગોબર જયારે અમેરિકા ગયો હોય ત્યારે આ બધા ભાભા એમને મુકવા મુંબઈ એરપોર્ટ ગ્યાતા અમુકને તો વળી એમ થયું કે આયે રોકવા જેવું છે હો!! આવે મજા!!! અને ત્યાં ગોબરે કીધેલું કે હું તમને કાયમ ફોન કરીશ... એવી મોટી મોટી કરેલી... એક બે દિવસ કાર્યોય ખરો પણ પછી એ ગયો એ ગયો!!! ના ચિઠ્ઠી ના સંદેશ!!!! અને આમેય એને જાવાનું તો નક્કી ન્હોતું પણ અહીં એની પત્ની ઉજી ડોશી ગુજરી ગઈ તે ખવરાવે કોણ!! આડોશ પાડોશ સારો હોય તો પાંચ પંદર દિવસ કે પછી મહિનો બે મહિનો પણ કોઈ કાયમ થોડું ખવરાવે!! ગામ નાનું નહીંતર થાય કે ચાલો ટિફિન બંધાવી લઈએ એટલે મોટો દીકરો રાકલો એને લઇ ગયો અમેરિકા!!! ત આજ વાત થાવાની છે!!
       અને બરાબર દિવાળીને દિવસે વાલા આતાની વાડીમાં રાતના આઠ વાગ્યે આ ચારેય ભાભલા ગોઠવાણા!!
    " એલ્યા ઘરે વાત ના થઇ કે અહીં વાડીએ ધક્કો ખવરાવ્યો" રણછોડ ભાભો બોલ્યો..
     " એમાં એવું છે ને કે આ વાડી ઢોરા પર છે અને  રિલાયન્સ જીઓ કાર્ડનું એવું કે ઢોરો હોય ન્યાં પકડાય ને ગામમાં એક ખૂંટો આવે ટાવર નો અને અહીં ફુલ કવરેજ અને આજે દિવાળી એટલે બધા ફટાકડા ફોડેને તે અગાશીમાં તમને કાંઈ સંભળાય જ નહિ ને એટલે વાડીએ" વાલા ના દીકરાના દીકરા મહેશે કહ્યું. બધા તૈયાર થઇ ગયા અને વિડીઓ કોલિંગ થયું.. બધાને સામે ગોબર ભાભો દેખાતો હતો... અને ગોબર ભાભાને અમેરિકા બેઠા બેઠા બધા દેખાણાં!! વાલો, રણછોડ, ઓધો, કરમશી, થોડી વાત પછી કરમશી બોલ્યા કે
" ગોબર, ત્યાં દિવસ છે અહીં રાત આવું કેમ?" અને ગોબર ભાભો શરૂ થયો!!
    "ત્યાં કરતાં અહીં ઊંધું હોય, અહીં વ્યવસ્થા જ છે એવી છે કે વ્યવસ્થા!!! જડબેસલાક!! આ બે દિવસથી મને તાવ છે પણ દવાખાને મારે એકલાને જ જાવાનું!! તમારું કામ તમારે જાતેજ કરવાનું!! વ્યવસ્થા જડબે સલાક!! આજ ત્રીસ તારીખ છેને કાલે એકત્રીસે બરાબર રાતે બાર વાગ્યે મારો મોટો છોકરો મને નાનાની ઘરે લઇ જાહે!! એક મહિનો રહીને પાછો અહીં આવીશ!! બધું જ નિયમસર!! કોઈ એક દિવસ પણ બાપને ઘરમાં વધારે રાખવા રાજી નથી!! વ્યવસ્થા એકદમ જડબેસલાક!!! કાંઈ નો ઘટે!!!  મારી સાથે કોઈ બેસવા વાળું નથી સાવ એકલો!! વ્યવસ્થા જ એવી જડબેસલાક!!  પંદર દિવસ પહેલા એની બાની તિથિ ગઈ બેમાંથી એકેયને યાદ નાં આવ્યું અને એક કાલીયા ડ્રાઈવર ની પત્ની ના બર્થડે માં બધા વ્યા ગયા... બાકી વ્યવસ્થા જડબેસલાક!!!    કાલે હું બેસતા વરસના રાતે બાર વાગ્યે નાના દીકરાને ત્યાં હોઈશ, એક એક મહિના ના મારે વારા છે!! જ્યાં મારે રહેવાનું હોય ને  એ બધાંના મોઢા પડી જાય,   વ્યવસ્થાજ એવી ને કે જડબેસલાક!!! કાંઈ નો ઘટે!! એક દમ જડબેસલાક!!!" કહેતા કહેતા ગોબર પોક મૂકીને રોયો અને આ બાજુ આ ચાર ભાભલા પણ રોયા!! દિવાળીની રાતે વાડીમાં અને છેક અમેરિકામાં આંસુના ફટાકડા ફૂટી રહ્યા હતાં વાતાવરણ એકદમ ભારેખમ બની ગયું!!! જડબેસલાક!! કાંઈ નો ઘટે!!!લેખક:-મુકેશ સોજીત્રા
મુ. ઢસા ગામ, તા.-ગઢડા જી;- બોટાદ...   

क्या आपको यह पोस्ट पसंद आई ? तो Youtube पर Click करके Subscribe करें और Share- Comment जरूर करें

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top